Chapter 10

વિભૂતિયોગ

ભગવદ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિયોગ છે. આ અધ્યાયમાં, કૃષ્ણ પોતાને સર્વ કારણોના કારણ તરીકે પ્રગટ કરે છે. અર્જુનની ભક્તિ વધારવા માટે તે તેના વિવિધ અવતાર અને સ્થાપનાનું વર્ણન કરે છે. અર્જુન ભગવાનના સર્વોચ્ચ પદની સંપૂર્ણ ખાતરી કરે છે અને તેમને સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાહેર કરે છે. તેઓ કૃષ્ણને તેમના અન્ય દૈવી મહિમા વિશે જણાવવા માટે પ્રાર્થના કરે છે જે સાંભળવા માટે અમૃત છે.

42 Verses

VERSE 1
શ્રી ભગવાન બોલ્યા: હે મહાબાહુ, મારો દિવ્ય ઉપદેશ પુન: સાંભળ. તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણાર્થે હું તેને પ્રગટ કરીશ.
VERSE 2
ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે. હું એ આદિ સ્રોત છું, જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે.
VERSE 3
જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડનાં પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે.
VERSE 4
બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા.
VERSE 5
અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.
VERSE 6
સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલ ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ, આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયાં છે.
VERSE 7
જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે, તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી.
VERSE 8
હું સર્વ સૃષ્ટિનો સ્રોત છું. સર્વ તત્ત્વો મારામાંથી ઉદ્ભવે છે. જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે.
VERSE 9
તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને, મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તુષ્ટિ પ્રાપ્ત કરે છે.
VERSE 10
જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે, હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું. જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે.
VERSE 11
તેમના પર અનુકંપા કરીને, તેમનાં અંત:કરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનનાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું.
VERSE 12
અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો.
VERSE 13
નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો.
VERSE 14
હે કૃષ્ણ! આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણત: સ્વીકાર કરું છે. હે ભગવન્! ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે.
VERSE 15
હે પુરુષોત્તમ, સર્વ જીવોના સર્જક તથા સ્વામી, દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં, કેવળ આપ જ આપની અંતરંગ શક્તિ દ્વારા સ્વયંને જાણો છો.
VERSE 16
જેના દ્વારા આપ સર્વ લોકોમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો, આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો.
VERSE 17
હે યોગના પરમ આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાનાવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું?
VERSE 18
આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટય અંગે મને પુન: વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપિ તૃપ્તિ થતી નથી.
VERSE 19
આનંદસ્વરૂપ ભગવાન બોલ્યા: હે કુરુઓમાં શ્રેષ્ઠ, મારાં દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી.
VERSE 20
હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું. હું સર્વ જીવોનો આદિ, મધ્ય તથા અંત છું.
VERSE 21
અદિતિના બાર પુત્રોમાંથી હું વિષ્ણુ છું; જ્યોતિઓમાં હું સૂર્ય છું. મરુતોમાં હું મરીચિ છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું.
VERSE 22
વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું; જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું.
VERSE 23
સર્વ રુદ્રોમાં મને શંકર જાણ; યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું.
VERSE 24
હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું; સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું; તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ.
VERSE 25
મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ (ૐ) છું. યજ્ઞોમાં મને જપ-યજ્ઞ (પવિત્ર નામોનું કીર્તન) જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું.
VERSE 26
વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું; દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.
VERSE 27
અશ્વોમાં મને ઉચ્ચૈ:શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું.
VERSE 28
હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિનાં કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું; સર્પોમાં વાસુકિ છું.
VERSE 29
સર્વ નાગોમાં હું અનંત છું; સર્વ જળચરોમાં હું વરુણ છું. સર્વ દિવંગત પૂર્વજોમાં હું અર્યમા છું; સર્વ કાયદાના નિયામકોમાં હું મૃત્યુનો દેવ, યમરાજ છું.
VERSE 30
દૈત્યોમાં હું પ્રહલાદ છું; સર્વ નિયંત્રકોમાં હું સમય છું. પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ.
VERSE 31
પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું.
VERSE 32
હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. વિદ્યાઓમાં હું અધ્યાત્મ વિદ્યા છું તથા તર્કોમાં હું તાર્કિક નિષ્કર્ષ છું.
VERSE 33
હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર ‘અ’ છું; હું સમાસોમાં દ્વન્દ્વ શબ્દ છું. હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું.
VERSE 34
હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. સ્ત્રૈણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેધા, સાહસ અને ક્ષમા છું.
VERSE 35
સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિંદુ પંચાંગનાં બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું.
VERSE 36
કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું, સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું.
VERSE 37
વૃષ્ણીઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ.
VERSE 38
અરાજકતાને અટકાવવા માટેનાં માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે, તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું.
VERSE 39
હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.
VERSE 40
હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે, તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે.
VERSE 41
તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે, તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ.
VERSE 42
હે અર્જુન, આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે? કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશમાત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું.