Chapter 18

મોક્ષસંન્યાસયોગ

ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષસંન્યાસયોગ છે. અર્જુન કૃષ્ણને વિનંતી કરે છે કે કૃપા કરીને સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો તફાવત સમજાવો. કૃષ્ણ સમજાવે છે કે સંન્યાસી તે છે જે આધ્યાત્મિક શિસ્તનું પાલન કરવા માટે કુટુંબ અને સમાજનો ત્યાગ કરે છે જ્યારે ત્યાગી તે છે જે તેના કાર્યોના પરિણામોની ચિંતા કર્યા વિના ભગવાનની ભક્તિમાં કાર્યો કરવાનું ચાલુ રાખે છે. કૃષ્ણ કહે છે કે ત્યાગ કરતાં ત્યાગ શ્રેષ્ઠ છે. કૃષ્ણ પછી ભૌતિક જગતના ત્રણ પ્રકારના ગુણોનું વિગતવાર વર્ણન કરે છે. કૃષ્ણ જાહેર કરે છે કે ભગવાન પ્રત્યેની શુદ્ધ અને સાચી ભક્તિ એ આધ્યાત્મિકતાનો સર્વોચ્ચ માર્ગ છે. જો આપણે દરેક ક્ષણે તેમનું સ્મરણ કરીશું, તેમના નામનો જપ કરીશું, તેમને આપણું સર્વોચ્ચ ધ્યેય બનાવીશું, તો તેમની કૃપાથી આપણે ચોક્કસપણે તમામ અવરોધો અને મુશ્કેલીઓ દૂર કરી શકીશું અને આ જન્મ-મરણના ચક્રમાંથી બચી શકીશું ચક્રમાંથી મુક્ત થવા માટે સક્ષમ.

78 Verses

VERSE 1
અર્જુને કહ્યું; હે મહા-ભુજાઓવાળા શ્રીકૃષ્ણ, હું સંન્યાસ (કર્મોનો ત્યાગ) અને ત્યાગ (કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ) આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે હૃષીકેશ, હે કેશી-નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું.
VERSE 2
પરમ દિવ્ય ભગવાન બોલ્યા: કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો, તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો, તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે.
VERSE 3
કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જયારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં.
VERSE 4
હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે.
VERSE 5
યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપિ પરિત્યાગ કરવો જોઈએ નહીં; તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં, યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે.
VERSE 6
આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે.
VERSE 7
નિયત કર્તવ્યોને કદાપિ ત્યજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે.
VERSE 8
નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે, તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપિ ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી.
VERSE 9
જયારે કર્તવ્યને ઉત્તરદાયિત્ત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્ત્વિક માનવામાં આવે છે.
VERSE 10
જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્ત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા (કાર્યની પ્રકૃતિ અંગે) સંશયરહિત છે.
VERSE 11
દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે. પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે, તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે.
VERSE 12
જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે, તેમને મૃત્યુ પશ્ચાત્ પણ કર્મોના ત્રણ પ્રકારનાં—ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર—ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમનાં કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે, તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત્ પણ આવા કોઈ પણ ફળો ભોગવવાં પડતા નથી.
VERSE 13
હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્ત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર, જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે.
VERSE 14
શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારનાં પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા—કર્મના આ પાંચ તત્ત્વો છે.
VERSE 15
શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતાં ઉચિત કે અનુચિત કોઇપણ કર્મોમાં આ પાંચ તત્ત્વો ભાગ ભજવે છે.
VERSE 16
જેઓ આ જ્ઞાન ધરાવતા નથી, તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી.
VERSE 17
જે લોકો કર્તા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી, તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે.
VERSE 18
જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા—આ ત્રણ પરિબળો છે, જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન, સ્વયં કર્મ અને કર્તા—આ કર્મનાં ત્રણ ઘટકો છે.
VERSE 19
સાંખ્યદર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમનાં ત્રણ માયિક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધ્યાનથી સંભાળ, હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ.
VERSE 20
જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજીત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે, તે જ્ઞાનને સાત્ત્વિક જાણવું.
VERSE 21
જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક્ જોવે છે, એ જ્ઞાનને રાજસિક માનવું.
VERSE 22
તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે, જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે.
VERSE 23
જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગદ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે, તેને સાત્ત્વિક કહેવાય છે.
VERSE 24
જે કર્મ સ્વાર્થયુકત કામનાથી પ્રેરિત છે, અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે, તેને રજોગુણી કહેવામાં આવે છે.
VERSE 25
જે કર્મ મોહવશ, પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના, પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે, તેને તામસી કહેવામાં આવે છે.
VERSE 26
તેને સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે, જયારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય, તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે.
VERSE 27
તેને રજોગુણી કર્તા કહેવામાં આવે છે, જયારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે, લોભી, હિંસાત્મક, અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે.
VERSE 28
જે બિનઅનુશાસિત, અભદ્ર, જીદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે, તેને તમોગુણી કર્તા કહેવાય છે.
VERSE 29
હે અર્જુન, હવે તને માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિષે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ.
VERSE 30
હે પાર્થ, જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે, કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી, શું બંધનકર્તા છે અને શું મુક્તિકર્તા છે, તે જાણે છે; તેવી બુદ્ધિને સત્ત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે.
VERSE 31
જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી, તેન રાજસી બુદ્ધિ હોય છે.
VERSE 32
જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે.
VERSE 33
જે દૃઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, તે ધૃતિને સત્ત્વગુણી કહેવામાં આવે છે.
VERSE 34
જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે, એવો સંકલ્પ રજોગુણી છે.
VERSE 35
હે પાર્થ! તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી, તે તમોગુણી ધૃતિ છે.
VERSE 36
હે અર્જુન, હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે.
VERSE 37
જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે, તેને સાત્ત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે.
VERSE 38
એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે.
VERSE 39
જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા, આળસ, અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે.
VERSE 40
સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈપણ એવો જીવ નથી, જે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય.
VERSE 41
હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોનાં કર્તવ્યોનું વિભાજન તેમનાં સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે (જન્મને આધારે નહીં).
VERSE 42
શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વત્તા તથા ભવિષ્યમાં વિશ્વાસ—આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે.
VERSE 43
શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોમાં પારંગતતા, યુદ્ધક્ષેત્રમાંથી કદાપિ પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્ત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેના સ્વાભાવિક ગુણો છે.
VERSE 44
કૃષિ, ગૌ-રક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી એ શૂદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે.
VERSE 45
તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે.
VERSE 46
વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે, જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
VERSE 47
અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વ ધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી.
VERSE 48
હે કુંતીપુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર, જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે.
VERSE 49
જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે, તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
VERSE 50
હે અર્જુન, મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ (કર્મની સમાપ્તિમાં) પ્રાપ્ત કરી છે, તે દિવ્ય જ્ઞાનમાં દૃઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે.
VERSE 51
તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે, જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઈન્દ્રિયવિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઈન્દ્રિયોને દૃઢતાપૂર્વક સંયમમાં રાખે છે.
VERSE 52
આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર, મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે.
VERSE 53
અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામીત્ત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ (પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ) સાથેના જોડાણ માટે પાત્ર હોય છે.
VERSE 54
જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે; તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે.
VERSE 55
કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્યરૂપે જાણી શકે છે. પશ્ચાત્, મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે.
VERSE 56
મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતાં હોવા છતાં મારાં સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે.
VERSE 57
મને પરમ લક્ષ્ય બનાવીને, તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ.
VERSE 58
જો તું સદૈવ મારું સ્મરણ કરીશ, તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ. પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં, તો તું નષ્ટ થઈ જઈશ.
VERSE 59
જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે “હું લડીશ નહીં”, તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક (ક્ષત્રિય) પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે.
VERSE 60
હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી, તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ.
VERSE 61
હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમનાં કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલાં યંત્ર પર આરૂઢ હોય છે.
VERSE 62
હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી, તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ.
VERSE 63
આ પ્રમાણે, મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે. જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે. તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત્ તારી જે ઈચ્છા હોય તે કર.
VERSE 64
પુન: મારા પરમ ઉપદેશનું શ્રવણ કર, જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે. હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું, કારણ કે તું મને અતિ પ્રિય છે.
VERSE 65
સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીને, તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે, કારણ કે તું મને અતિ પ્રિય છે.
VERSE 66
સર્વ પ્રકારનાં ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ; ભયભીત થઈશ નહીં.
VERSE 67
આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપિ કહેવો જોઈએ નહીં. જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષ્યા કરે છે, તેમને કદાપિ કહેવો જોઈએ નહીં.
VERSE 68
જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે, તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે. તેઓ મારી પાસે આવશે, તેમાં કોઈ સંશય નથી.
VERSE 69
તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી.
VERSE 70
અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે, તે (તેમની બુદ્ધિ દ્વારા) જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે; એવો મારો અભિપ્રાય છે.
VERSE 71
જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યારહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે, જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે.
VERSE 72
હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારાં અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયાં છે?
VERSE 73
અર્જુને કહ્યું: હે અચ્યુત, આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ.
VERSE 74
સંજયે કહ્યું: આ પ્રમાણે, મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારાં રુંવાડા ઉભા થઇ ગયા છે.
VERSE 75
વેદ વ્યાસની કૃપા દ્વારા, સ્વયં યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યતમ યોગ સાંભળ્યો છે.
VERSE 76
હે રાજા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું, તેમ તેમ હું પુન: પુન: હર્ષવિભોર થઈ જાઉં છું.
VERSE 77
અને શ્રીકૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચક્તિ થાઉં છું અને હું પુન: પુન: આનંદથી રોમાંચિત થાઉં છું.
VERSE 78
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે, ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે.