Chapter 9

રાજવિદ્યારાજગુહ્યયોગ

ભગવદ ગીતાનો નવમો અધ્યાય રાજવિદ્યારાજગુહ્યયોગ છે. આ પ્રકરણમાં, કૃષ્ણ સમજાવે છે કે તે સર્વોપરી છે અને આ ભૌતિક જગત તેમની યોગમાયા દ્વારા બનાવવામાં આવે છે અને તેનો નાશ થાય છે અથવા મનુષ્ય તેમની સંભાળ હેઠળ આવે છે અને જાય છે. તેઓ આપણી આધ્યાત્મિક જાગૃતિ પ્રત્યે ભક્તિની ભૂમિકા અને મહત્વનું વર્ણન કરે છે. આવી ભક્તિમાં વ્યક્તિએ ભગવાન માટે જ જીવવું જોઈએ, પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરવું જોઈએ અને ભગવાન માટે જ બધું કરવું જોઈએ. જે આ પ્રકારની ભક્તિનું પાલન કરે છે તે આ ભૌતિક જગતના બંધનોમાંથી મુક્ત થઈને ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે.

34 Verses

VERSE 1
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યાભાવ નથી, હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્ત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ.
VERSE 2
આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વાધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત, ધર્મ સંમત, અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે.
VERSE 3
હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુન: પુન: પાછા આવે છે.
VERSE 4
આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી.
VERSE 5
અને છતાં, જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો! યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું તથાપિ હું તેમનાથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી.
VERSE 6
જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ.
VERSE 7
જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે, સર્વ જીવો મારી આદિ પ્રાકૃત શકિતમાં વિલીન થઇ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભકાળે, હે કુંતીપુત્ર, હું તેમને પુન: પ્રગટ કરું છું.
VERSE 8
પ્રાકૃત શક્તિ પરનાં આધિપત્યથી હું પુન: પુન: આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું.
VERSE 9
હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું.
VERSE 10
હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ, ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી, માયિક જગત (સર્જન, સ્થિતિ અને સંહાર)માં પરિવર્તન થતાં રહે છે.
VERSE 11
જયારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી.
VERSE 12
માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દૃષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં, તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે, તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમનાં જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે.
VERSE 13
હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ મને શ્રીકૃષ્ણને, સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે.
VERSE 14
મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતાં, દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતાં અને મને વિનયપૂર્વક નમીને, તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે.
VERSE 15
અન્ય મનુષ્યો, જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાંથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે જે તેમનાથી ભિન્ન નથી, જયારે અન્ય મને તેમનાથી પૃથક્ ગણે છે. વળી, કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે.
VERSE 16
એ હું જ છું, જે વૈદિક કર્મકાંડ છે, હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું.
VERSE 17
આ વિશ્વનો હું પિતા છું; હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું.
VERSE 18
હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું; હું અવિનાશી બીજ અને ભંડાર છું.
VERSE 19
હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છે અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું.
VERSE 20
જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને, પાપમાંથી શુદ્ધિ મેળવી, તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્યકર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા, ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવાં સુખો ભોગવે છે.
VERSE 21
જયારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમનાં પુણ્યકર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે, જેઓ ઇન્દ્રિયસુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુન: પુન: આવાગમન કરે છે.
VERSE 22
જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છે તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું.
VERSE 23
હે કુંતીપુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે. પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે.
VERSE 24
હું સર્વ યજ્ઞોનો ભોકતા તથા એકમાત્ર સ્વામી છું. પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે.
VERSE 25
સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે, પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે, ભૂત-પ્રેતના ઉપાસકો તેવી પ્રેતયોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે.
VERSE 26
જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું.
VERSE 27
હે કુંતીપુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશ્ચર્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર.
VERSE 28
તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોનાં બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ-યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ.
VERSE 29
હું સર્વ જીવો પ્રત્યે સમભાવ યુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું.
VERSE 30
અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્યભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે.
VERSE 31
તે શીધ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતીપુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈપણ ભક્તનો કદાપિ વિનાશ થતો નથી.
VERSE 32
હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે, તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
VERSE 33
તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિષે શું કહેવું? તેથી, આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ.
VERSE 34
સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને, તું મારી પાસે આવીશ.