Chapter 15

પુરુષોત્તમ યોગ

ભગવદ ગીતાનો પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. સંસ્કૃતમાં, પુરૂષનો અર્થ સર્વવ્યાપી ભગવાન છે, અને પુરુષોત્તમનો અર્થ થાય છે ભગવાનનું કાલાતીત અને ગુણાતીત પાસું. કૃષ્ણ સમજાવે છે કે ભગવાનના આ મહાન જ્ઞાનનો હેતુ ભૌતિક જગતના બંધનથી પોતાને અલગ કરવાનો અને કૃષ્ણને સર્વોચ્ચ દૈવી વ્યક્તિત્વ, બ્રહ્માંડના શાશ્વત નિયંત્રક અને જાળવણીકાર તરીકે સમજવાનો છે. જે આ અંતિમ સત્યને સમજે છે તે ભગવાનને શરણે જાય છે અને તેમની ભક્તિ સેવામાં લાગી જાય છે.

20 Verses

VERSE 1
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: એમ કહેવાય છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેનાં પર્ણો વૈદિક મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે, તે વેદોનો જ્ઞાતા છે.
VERSE 2
વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે ત્રણ ગુણોથી પોષણ પામે છે. નીચેની તરફ લટકતાં મૂળો મનુષ્ય દેહમાં કર્મનાં પ્રવાહનું કારણ છે અને તેની નીચેની શાખાઓ માનવ-જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે.
VERSE 3
આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ.
VERSE 4
પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.
VERSE 5
જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વન્દ્વોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે.
VERSE 6
ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક વિશ્વમાં પુન: પરત આવતું નથી.
VERSE 7
આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે.
VERSE 8
જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તેવી રીતે દેહધારી આત્મા જયારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે.
VERSE 9
કર્ણ, નેત્રો, ત્વચા, જિહ્વા અને નાક—કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે—તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને, આત્મા ઈન્દ્રિય વિષયોનો ભોગ કરે છે.
VERSE 10
શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિમૂઢ મનુષ્યોને થતો નથી, કે જયારે તે વિદાય લે છે ત્યારે પણ તેનો બોધ થતો નથી. પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે.
VERSE 11
ભગવદ્દ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે. પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી, તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી.
VERSE 12
એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું, જે સમગ્ર સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે, એમ જાણ.
VERSE 13
પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વ જીવોનું પોષણ કરું છું. ચંદ્ર બનીને, હું સર્વ વનસ્પતિઓનું જીવન-રસથી પોષણ કરું છું.
VERSE 14
એ હું છું, જે સર્વ જીવોનાં ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ-પ્રશ્વાસના સંયોજનથી ચાર પ્રકારનાં ખોરાક બનાવું છું અને પચાવું છું.
VERSE 15
હું સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું, હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું.
VERSE 16
સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે, ક્ષર તથા અક્ષર. સર્વ નશ્વર જીવો માયિક પ્રદેશમાં હોય છે. અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે.
VERSE 17
તેનાથી અતિરિક્ત, એક પરમ દિવ્ય વિભૂતિ છે, જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે.
VERSE 18
હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું; તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે.
VERSE 19
જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે છે.
VERSE 20
હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે.