Chapter 3

કર્મયોગ

ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ અથવા નિઃસ્વાર્થ સેવાનો માર્ગ છે. આ પ્રકરણમાં ભગવાન શ્રી કૃષ્ણ જીવનમાં કર્મના મહત્વ પર ભાર મૂકે છે. તે સમજાવે છે કે આ ભૌતિક જગતમાં દરેક મનુષ્ય માટે કોઈને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવો ફરજિયાત છે. વધુમાં, તે એવા કાર્યો વિશે કહે છે જે માણસને બાંધે છે અથવા જે માણસને મુક્ત કરે છે. જે લોકો ભગવાનની પ્રસન્નતા માટે અને કોઈ પરિણામની અપેક્ષા રાખ્યા વિના સતત પોતાનું કર્તવ્ય બજાવે છે તેઓ આખરે મુક્તિ પ્રાપ્ત કરે છે.

43 Verses

VERSE 1
અર્જુને કહ્યું: હે જનાર્દન! જો તમે બુદ્ધિને કર્મથી શ્રેષ્ઠ માનતા હો, તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે કહી રહ્યા છો?
VERSE 2
આપના સંદિગ્ધ ઉપદેશોથી મારી મતિ વિહ્વળ ગઈ છે. કૃપા કરીને નિશ્ચિયપૂર્વક મને કોઈ એવો માર્ગ બતાવો જે મારા માટે સર્વાધિક કલ્યાણકારી હોય.
VERSE 3
પરમ કૃપાળુ ભગવાન બોલ્યા: હે નિષ્પાપ અર્જુન! મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન-પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે: જ્ઞાનયોગ, તેમના માટે જેમની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મ યોગ, તેમના માટે જેમની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે.
VERSE 4
મનુષ્ય કેવળ ન તો કર્મથી વિમુખ રહીને કર્મફળમાંથી મુક્તિ મેળવી શકે છે કે ન તો કેવળ શારીરિક સંન્યાસ લઈને જ્ઞાનની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે છે.
VERSE 5
કોઈપણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. વાસ્તવમાં સર્વ પ્રાણીઓ તેમની માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા કર્મ કરવા વિવશ હોય છે.
VERSE 6
જે પોતાની કર્મેન્દ્રિયોને વશમાં રાખે છે અને મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે નિ:સંદેહ પોતાને છેતરે છે અને તે દંભી કહેવાય છે.
VERSE 7
પરંતુ તે કર્મયોગીઓ જેઓ મનથી તેમની જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રિત રાખે છે, હે અર્જુન! અને કર્મેન્દ્રિયોને આસક્તિ વિના કર્મમાં વ્યસ્ત રાખે છે, તે નિશ્ચિત રૂપે શ્રેષ્ઠ છે.
VERSE 8
આ રીતે તારે નિયત વૈદિક કર્તવ્યોનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ અધિક શ્રેષ્ઠ છે. કર્મોનો ત્યાગ કરવાથી તારો શારીરિક નિર્વાહ પણ શક્ય નહિ બને.
VERSE 9
કર્મ ભગવાનની પ્રીતિ અર્થે થતા યજ્ઞ તરીકે કરવું જોઈએ, અન્યથા, આ ભૌતિક જગતમાં કર્મ બંધનનું કારણ બને છે. તેથી, હે કુંતીપુત્ર! ભગવાનની પ્રસન્નતા અર્થે, ફળમાં આસક્તિ રાખ્યા વિના તારા નિયત કર્મો કર.
VERSE 10
સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યોનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું, “આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો, તે પ્રદાન કરશે.
VERSE 11
તારા યજ્ઞો દ્વારા દેવતાઓ પ્રસન્ન થશે અને માનવો તથા દેવતાઓ વચ્ચેના સહયોગના પરિણામ સ્વરૂપે સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.
VERSE 12
યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે, તેઓ નિ:શંક ચોર છે.
VERSE 13
આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતાં ભક્તો, પ્રથમ યજ્ઞને અર્પિત કરેલું ભોજન ગ્રહણ કરે છે, તેથી તેઓ સર્વ પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ જાય છે. અન્ય લોકો, જેઓ પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે ભોજન બનાવે છે, તેઓ નિ:શંક પાપ જ ખાય છે.
VERSE 14
સર્વ જીવંત પ્રાણીઓ અન્ન પર નિર્ભર રહે છે અને અન્ન વર્ષાથી ઉત્ત્પન્ન થાય છે. વર્ષા યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત ધર્મનું પાલન કરવાથી સંપન્ન થાય છે.
VERSE 15
વેદોમાં મનુષ્યો માટેનાં કર્તવ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને વેદો સ્વયં ભગવાનમાંથી પ્રગટ થયા છે. તેથી, સર્વ-વ્યાપક ભગવાન શાશ્વત રીતે યજ્ઞના કર્મમાં વિદ્યમાન રહે છે.
VERSE 16
હે પાર્થ! વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રમાં જે મનુષ્ય પોતાના ઉત્તરદાયિત્ત્વનો સ્વીકાર કરતો નથી તે પાપી છે. તેઓ કેવળ તેમની ઇન્દ્રિયોના સુખ-પ્રમાદ માટે જીવે છે; વાસ્તવમાં તેમનું જીવન વ્યર્થ છે.
VERSE 17
પરંતુ જે મનુષ્યો આત્માનંદમાં જ સ્થિત છે અને જેમનું જીવન આત્મ-પ્રકાશિત તથા પૂર્ણપણે આત્મ-સંતુષ્ટ હોય છે, તેમને માટે કોઈ કર્તવ્ય શેષ રહેતું નથી.
VERSE 18
આવા આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલા આત્માઓને તેમનાં કર્તવ્ય પાલન કરવાથી કે તેનો ત્યાગ કરવાથી કંઈ પણ પ્રાપ્ત કરવાનું કે ગુમાવવાનું રહેતું નથી. ન તો તેમને તેમની સ્વાર્થપૂર્તિ માટે અન્ય કોઈ જીવો પર નિર્ભર રહેવાની આવશ્યકતા હોય છે.
VERSE 19
તેથી આસક્તિનો ત્યાગ કરીને પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કર, કારણકે, ફળમાં આસક્તિ રાખ્યા વિના કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે.
VERSE 20
રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમનાં નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વનાં કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ.
VERSE 21
જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે.
VERSE 22
હે પાર્થ! ત્રણે લોકમાં મારા માટે કોઈ કર્તવ્ય નથી. ન તો મારે કંઈ મેળવવાનું છે કે ન તો પ્રાપ્ત કરવાનું. આમ છતાં, હું નિયત કર્મોમાં વ્યસ્ત છું.
VERSE 23
જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું, તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે.
VERSE 24
જો હું નિયત કર્મ કરવાનું ન કરું, તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. તેના કારણે જે અરાજકતા પ્રવર્તે અને એ રીતે સમગ્ર માનવજાતિની શાંતિ નો વિનાશ થઈ જાય તે માટે હું ઉત્તરદાયી હોઈશ.
VERSE 25
જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમનાં કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી! વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવાં જોઈએ.
VERSE 26
વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોને કર્મ ન કરવાની પ્રેરણા આપીને તેમની બુદ્ધિને વિચલિત કરવી જોઈએ નહીં. પરંતુ, પોતાના કર્તવ્યોનું પાલન પ્રબુદ્ધ શૈલીથી કરીને, તે અજ્ઞાની લોકોને પણ તેમના નિયત કર્તવ્યોનું પાલન કરવા પ્રેરિત કરવા જોઈએ.
VERSE 27
સર્વ ક્રિયાઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા સંપન્ન થાય છે. પરંતુ અજ્ઞાનને કારણે આત્મા શરીર સાથેના ભ્રામક તાદાત્મ્યને કારણે સ્વયંને સર્વ કાર્યનો કર્તા માને છે.
VERSE 28
હે મહાબાહુ અર્જુન! જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે, તે આત્માને ગુણો અને કર્મોથી ભિન્ન માને છે. તેઓ સમજે છે કે, કેવળ ગુણો (મન અને ઇન્દ્રિયના રૂપમાં) ગુણો (ઇન્દ્રિયોના વિષયોના રૂપમાં)ની મધ્યે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી.
VERSE 29
જે મનુષ્યો ગુણોના સંચાલનથી ભ્રમિત થઈ ગયા છે, તેઓ તેમના કર્મોના ફળો પ્રત્યે આસક્ત થાય છે. પરંતુ, જે આ પરમ સત્યોને જાણે છે એવા જ્ઞાની મનુષ્યોએ જેમનું જ્ઞાન અલ્પ માત્રામાં છે એવા અજ્ઞાની મનુષ્યોને વિચલિત કરવા જોઈએ નહીં.
VERSE 30
સર્વ કર્મોને મને સમર્પિત કરીને, નિરંતર પરમેશ્વરના રૂપમાં મારું ધ્યાન ધર. કામનાઓથી અને સ્વાર્થથી મુક્ત થા અને તારા માનસિક સંતાપોનો ત્યાગ કરીને, યુદ્ધ કર!
VERSE 31
જેઓ પ્રગાઢ શ્રદ્ધા સાથે મારા આ ઉપદેશોનું પાલન કરે છે અને દ્વેષથી મુક્ત રહે છે, તેઓ કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
VERSE 32
પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે.
VERSE 33
જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે?
VERSE 34
ઇન્દ્રિયો પ્રાકૃતિક રીતે જ ઈન્દ્રિય વિષયો પ્રત્યે આસક્તિ અને વિરક્તિનો અનુભવ કરે છે પરંતુ તેમને વશીભૂત થવું જોઈએ નહીં, કારણ કે તેઓ માર્ગ અવરોધક અને શત્રુઓ છે.
VERSE 35
પોતાના નિયત કરેલાં કર્તવ્યોનું પાલન, ભલે દોષયુક્ત હોય પરંતુ અન્ય માટે નિયત કરેલાં કર્તવ્યોનું દોષરહિત પાલન કરવા કરતાં અધિક શ્રેયસ્કર છે. વાસ્તવમાં, પોતાના કર્તવ્યોનું પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયયુકત માર્ગનું અનુસરણ કરવા કરતાં ઉચિત છે.
VERSE 36
અર્જુને કહ્યું: હે વૃષ્ણી વંશી! શા માટે મનુષ્ય અનિચ્છાએ પાપયુક્ત કાર્યો કરવા પ્રેરિત થાય છે, જાણે કે કોઈ દબાણથી એમ કરવા પરોવાતો હોય?
VERSE 37
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: એકમાત્ર કામ જ છે, જે રજોગુણથી ઉત્પન્ન થાય છે અને પશ્ચાત્ ક્રોધમાં પરિવર્તિત થાય છે. તેને આ વિશ્વનો મહાપાપી ને સર્વભક્ષક શત્રુ જાણ.
VERSE 38
જેવી રીતે અગ્નિ ધૂમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભૃણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે.
VERSE 39
હે કુંતીપુત્ર અર્જુન! અતિ વિવેકપૂર્ણ મનુષ્યનું જ્ઞાન પણ આ અતૃપ્ત કામનાઓ રૂપી નિત્ય શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે, જે કદાપિ સંતુષ્ટ થતી નથી અને અગ્નિની જેમ બળતી રહે છે.
VERSE 40
ઇન્દ્રિય, મન અને બુદ્ધિને કામનાઓની સંવર્ધન ભૂમિ કહેવામાં આવે છે. તેમના દ્વારા આ કામનાઓ મનુષ્યનાં જ્ઞાન પર આવૃત થઈ જાય છે અને દેહધારી આત્મા મોહિત થઈ જાય છે.
VERSE 41
આથી, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, પ્રારંભથી જ ઈન્દ્રિયોનું નિયમન કરીને આ કામનારૂપી શત્રુનો વધ કરી દે, જે પાપનું પ્રતિક છે અને જ્ઞાન તથા આત્મ-સાક્ષાત્કારનો વિનાશ કરે છે.
VERSE 42
સ્થૂળ શરીર કરતાં ઇન્દ્રિયો ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન અધિક શ્રેષ્ઠ છે. મનથી અધિક શ્રેષ્ઠ બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ શ્રેષ્ઠતર આત્મા છે.
VERSE 43
હે મહાબાહુ અર્જુન! આ પ્રમાણે આત્માને ભૌતિક બુદ્ધિથી અધિક શ્રેષ્ઠ જાણીને સ્વ (ઇન્દ્રિય,મન અને બુદ્ધિ)ને સ્વ (આત્માની શક્તિ) દ્વારા વશમાં રાખીને કામ નામના આ દુર્જેય શત્રુનો વધ કર.