Chapter 16

દૈવાસુરસંપદવિભાગયોગ

ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય દૈવસુરસંપદવિભાગયોગ છે. આ પ્રકરણમાં, કૃષ્ણ મનુષ્યના બે પ્રકારના સ્વભાવનું સ્પષ્ટ વર્ણન કરે છે - દૈવી અને આસુરી. શૈતાની પ્રકૃતિ ધરાવતા લોકો વાસના અને અજ્ઞાનતાના માર્ગો સાથે પોતાને જોડે છે, શાસ્ત્રોના નિયમોનું પાલન કરતા નથી અને ભૌતિક વિચારોને અપનાવે છે. આ લોકો નીચલી જાતિમાં જન્મે છે અને ભૌતિક બંધનોમાં વધુ બંધાઈ જાય છે. પરંતુ જેઓ દૈવી સ્વભાવના છે તેઓ શાસ્ત્રોની સૂચનાઓનું પાલન કરે છે, સારા કાર્યો કરે છે અને આધ્યાત્મિક અભ્યાસ દ્વારા મનને શુદ્ધ કરે છે. તેનાથી દૈવી ગુણોમાં વધારો થાય છે અને તેઓ આખરે આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

24 Verses

VERSE 1
પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; હે ભરતપુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દૃઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા તથા સાદાઈ
VERSE 2
અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ-દર્શન પ્રત્યે અરુચિ, જીવમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા
VERSE 3
તેજ, ક્ષમા, દૃઢતા, આડંબર-રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન-રહિતતા, આ સર્વ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્દગુણો છે.
VERSE 4
હે પાર્થ, દંભ, દર્પ, ઘમંડ, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન—આ આસુરી પ્રકૃતિ ધરાવતા લોકોનાં લક્ષણો છે.
VERSE 5
દૈવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે, જયારે આસુરી સંપત્તિ બંધનનાં નિરંતર પ્રારબ્ધનું કારણ છે. હે અર્જુન, તું શોક ન કર, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે.
VERSE 6
આ જગતમાં બે પ્રકારના જીવો છે—એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે. હે અર્જુન, મેં દૈવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે. હવે આસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર.
VERSE 7
જે લોકો આસુરી પ્રકૃતિ ધરાવે છે, તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી. તેથી, તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદ્દઆચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે.
VERSE 8
તેઓ કહે છે કે, “જગત પૂર્ણ સત્ય રહિત, આધાર રહિત (નૈતિક વ્યવસ્થા માટે), ભગવાન રહિત (જેમણે સર્જન કર્યું હોય કે નિયંત્રણ કરતા હોય) છે. તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ્ય નથી.
VERSE 9
આવા મંતવ્યોને દૃઢતાથી વળગી રહેનારા, આ દિશાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂર પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકીરૂપ શત્રુ તરીકે ઉદય પામે છે.
VERSE 10
અસંતૃપ્ત કામ-વાસનાને આશ્રય આપીને દંભ,અભિમાન તથા અહંકારથી પૂર્ણ આસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે. એ પ્રમાણે, ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે.
VERSE 11
તેઓ અનંત ચિંતાઓથી યુક્ત હોય છે, જેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે. તેમ છતાં, તેઓ ખાતરીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય છે.
VERSE 12
સેંકડો કામનાઓના બંધનથી જકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે અન્યાયિક સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે.
VERSE 13
આસુરી વ્યક્તિ વિચારે છે: “મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હવે હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ. આ મારું છે અને આવતી કાલે મારી પાસે આનાથી પણ અધિક હશે.
VERSE 14
તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુઓને પણ મારી નાખીશ! હું સ્વયં ભગવાન સમાન છું, હું ભોક્તા છું, હું બળવાન છું, અને હું સુખી છું.
VERSE 15
હું ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે. મારા સમાન અન્ય કોણ છે? હું યજ્ઞો (સ્વર્ગીય દેવતાઓ માટે) કરીશ; હું દાન આપીશ; હું મોજ માણીશ.” આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત હોય છે.
VERSE 16
આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા, મોહજાળમાં લિપ્ત તથા ઇન્દ્રિયવિષયક સુખોની તૃપ્તિના વ્યસનીઓનું ઘોર નરકમાં પતન થાય છે.
VERSE 17
આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે કોઈપણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે.
VERSE 18
અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધથી અંધ બનેલા આસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે.
VERSE 19
આ ક્રૂર અને દ્વેષપૂર્ણ લોકોને, નરાધમ અને દુષ્ટ લોકોને, હું નિરંતર માયિક જગતના પુનર્જન્મના ચક્રમાં સમાન આસુરી પ્રકૃતિ ધરાવતી યોનિઓમાં નાખ્યા કરું છું.
VERSE 20
આ અજ્ઞાની જીવાત્માઓ પુન: પુન: આસુરી યોનિઓમાં જન્મ લે છે. હે અર્જુન, મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો, ધીમે ધીમે અસ્તિત્ત્વના અતિ અધમ પ્રકારમાં ગતિ પામે છે.
VERSE 21
કામ, ક્રોધ અને લોભ જીવાત્માને આત્મ-વિનાશ રૂપી નર્ક તરફ અગ્રેસર કરનારા ત્રણ દ્વારો છે. તેથી, આ ત્રણેયનો મનુષ્યે ત્યાગ કરવો જોઈએ.
VERSE 22
જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત્ પરમ ગતિ પામે છે.
VERSE 23
જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગવશ મનસ્વી થઈને કાર્ય કરે છે, તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમ ગતિને પામે છે.
VERSE 24
તેથી, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સત્તા બનવા દો. શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને પશ્ચાત્ તદ્દનુસાર આ વિશ્વમાં તમારા કર્મો કરો.